Tuesday, July 26, 2005

પ્રાપ્તિ

ધૈવત શુક્લ (Dhaivat Shukla)


પ્રાપ્ત થાઓ મને
સ્થળ કાળ મારા
જ્યાં પ્રકટ અસ્તિત્વ મારું
પુર્ણ ને ચોફેર વ્યાપ્ત.....


દ્રુષ્ટિ થકી જોવાય સ્થિર
અને જોવાય ચંચળ
મળે જોવા નજદીક ને અંતર
બાહર અને ભીતર...


ચોપાસ લહેરાતું સતત
ફેલાય ચારેકોર એવું એક
પોતીકું જ આ
બ્રહ્માંડ મારું....


એક એવું
જે અહીં, હમણાં ને અત્યારે,
શકે ઇચ્છી, પ્રકાશિત પુર્ણ હોવું
ને પછી જોવું
અહીં, હમણાં ને અત્યારે
જ્યાં પ્રકટ અસ્તિત્વ મારું....

Tuesday, July 19, 2005

મનને સમજાવો નહીં

Monday, July 18, 2005

તસ્બી: નિર્વાણતંદ્રા

પંચમ શુક્લ (Pancham Shukla)

અચાનક અકળ કૈં દ્રવી જાય છે,
ઝીલું ત્યાંજ એ ઝરમરી જાય છે.

ધધખતાં હ્રદયની ધમણ ફૂંક પર,
રુધિર લોહરસમાં ઢળી જાય છે.

સરી જાય વિષદંશનું યે દહન,
સ્મરણ એક એવું ડસી જાય છે.

રસસ્ફિત સકળ અવયવો શુષ્ક થઇ,
ક્રમેક્રમ કમશઃ ખરી જાય છે.

મૂકી સ્વપ્નને બાણશૈય્યા ઉપર,
સ્વયં ઊંઘ ઝોકે ચડી જાય છે.

સ્વયં ઊંઘ ઝોકે ચડી જાય છે,
અચાનક અકળ કૈં દ્રવી જાય છે.

Friday, July 15, 2005

બદલું છું

રાજેન્દ્ર શુક્લ (Rajendra Shukla)

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે પણઅવાજ બદલું છું.

રમતરમતમાં હું રસ્મોરિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.

સફર અટકતી નથી કંઇ તુફાન ટકરાતાં,
દિશા બદલતો નથી હું જહાજ બદલું છું.

પ્રજળતું કૈંક રહે છે હમેશાં હોઠો પર,
કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું.

સુરાલયે જ હવે ચાલ ‘શૂન્યતા’ છોડી,
દરદ બદલતું નથી તો ઈલાજ બદલું છું.

Thursday, July 14, 2005

નીર-ક્ષીર ન્યાય

પંચમ શુક્લ (Pancham Shukla)

જેમ હર ધાન્ય મૈં'થી મલોખાં તરો,
નીરથી ક્ષીરને એમ નોખાં કરો.

સૂરજને ઠેઠ સાંજે

રાજેન્દ્ર શુક્લ (Rajendra Shukla)

સૂરજને ઠેઠ સાંજે એની ખબર પડે કે,
કોઈ કિરણની ચાદર વણતું રહે સવારે.

સપનાં ભરીને ઊંટો ચાલ્યાં જતાં ઝડપથી,
રેતીમાં કોઈ પગલાં ગણતું રહે સવારે.

તૂટ્યાં કરે કોઈનાં મોંઘાં સમયનાં મોતી,
એકાંત આંગણાંનું ચણતું રહે સવારે.

રાત્રી વીતે છતાં આ મનનાં સૂનાં સ્મશાને,
કોઈ હજીય મંત્રો ભણતું રહે સવારે.

અંધારું ગાઢ આંખે આંજી અને પછીથી,
કોઈ લચેલ ક્ષણને લણતું રહે સવારે.

Wednesday, July 13, 2005

સત્કર્મ એટલે શું?

પંચમ શુક્લ (Pancham Shukla)

લ્યો રોજ હવે સત્કર્મ થતાં,

નિષ્કર્મ થઈ મત્કર્મ થતાં.

where, મત્કર્મ = my own work

આ મોજ ચલી

મકરંદ દવે (Makarand Dave)

આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી,
એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી.

ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે?
આ બેઠો છે ક્યાં બજવૈયો? કૈં સૂર નથી કૈં સાજ નથી.

હા, બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી.

હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને, પ્રીતમ!
ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી?

આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહુકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી.

આ આગ કટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી, નેન ભરી! જ્યાં લગની છે ત્યાં લાજ નથી.

મહેન્દ્ર મેઘાણી સંપાદિત “ અરધી સદીની વાચનયાત્રા” માંથી સાભાર